મુખ્ય સામગ્રી પર જાઓ

સરરર સરરર હોડી ચાલે ઘનશ્યામ રાજી થાયે

સરરર સરરર હોડી ચાલે ઘનશ્યામ રાજી થાયે; 
         સરયુનદીમાં અધવચ જાતાં અતીશે જળ ઊભરાયે...સરરર૦ટેક. 
સરયુને મનમાં ઉમંગ આવે, આજ પ્રભુ મુજ પરથી જાવે; 
         સ્પર્શ જ કરવા હિલોળે આવે, માત-પિતાનાં મન ગભરાવે...સરરર૦૧ 
ડરતા જાણીને દયા લાવ્યા, બાલ પ્રભુએ પગ લંબાવ્યા; 
         લાંબા થઈ હોડી બાર આવ્યા, સરયુ નદીએ ભાવે ભીંજાવ્યા...સરરર૦૨ 
આશ્ચર્ય તે કેવટે જોયું, બાલ હરિમાં મનડું મોહ્યું; 
         સ્નેહે શ્રીજીના ચરણે જોયું, સોળ ચિહ્નમાં મનડું પ્રોયું...સરરર૦૩ 
કેવટ ધ્યાને ચલાવે હોડી, મનની ટળી ગઈ દોડાદોડી; 
         કેવટ કહે છે જીવન હોડી, ચલાવો મૂર્તિમાં મન જોડી...સરરર૦૪ 
કેવટ મનમાં નિશ્ચય લાવે, સેવા પ્રભુની કરીએ ભાવે; 
          અક્ષરધામમા તો લઈ જાવે, જ્ઞાનજીવન બલિહારી જાવે...સરરર૦૫ 
          

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
બાળ લીલા
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026