મુખ્ય સામગ્રી પર જાઓ

જગ ખળજ્ઞાની જ્ઞાન ઉપરથી અંતર ભૂંડા

જગ ખળજ્ઞાની જ્ઞાન ઉપરથી અંતર ભૂંડા.સતશાસ્ત્ર પુરાણ વેદ કથે હરિ અવતાર સર્વ કહે કુડા ||ટેક||
ખળ ભેખ ધરે જન ભરમાવા, માગે ભોજન સારા સારા ખાવા તે જમપુરને માર્ગ જાવા. જગ.૧
જેમ સર્પ મણી મૂકી બારો, તેને તેજે કરે જંતુ ચારોતેમ ખળને જ્ઞાનનો ગુજારો. જગ.૨
જેમ લીલા તરુ ઓથે રહીને, પારાધી પશુને મારે જઇનેતેમ ખળ તન પોખે જ્ઞાન કહીને. જગ.૩
શૂન્યવાદી બ્રહ્મના ઓથ લઇ, વર્તે શાસ્ત્રથી બાર થઇ મંજુકેશાનંદ એ સત્ય કઇ. જગ.૪ 
રચયિતા :
મંજુકેશાનંદ સ્વામી
વિવેચન:

આ કીર્તન પણ ચાર પદનું છે. કીર્તનનો રાગ સોરઠ છે. આ કીર્તનમાં સ્વામીએ ખલજ્ઞાનીનાં લક્ષણો કહ્યાં છે. આમ જુઓ તો જ્ઞાની અને ખલજ્ઞાનીમાં ઉપરથી કોઈ ભેદ ભાસતો નથી પણ ભીંતરમાં ભારે ભેદ છે. જ્ઞાનીઓનો ભગવો વેશ એમના હૃદયના સંન્યાસનું પ્રતીક છે જ્યારે ખલજ્ઞાનીઓનો ભગવો વેશ ઉપરછલ્લો અને પ્રચ્છન્ન રીતે ભોગપ્રાપ્તિ માટે છે. જ્ઞાનીઓનું જ્ઞાન અંતરના અંધકારને દૂર કરવા માટે છે. ખલજ્ઞાનીઓનું જ્ઞાન સર્પના મોં’રા જેવું છે. કહેવાય છે કે કેટલાક સર્પો ‘મણિધર’ સર્પો હોય છે. આ સર્પોમાં મુખમાં મણિ હોય છે. રાત્રીના સમયે મણિધર સર્પ મણિ બહાર કાઢે, મણિના અજવાળે નાના નાના જીવજંતુઓ આકર્ષાય, સર્પ એનો શિકાર કરે. ખલ જ્ઞાનીઓના કથા પ્રવચનો અજ્ઞાનના અંધકાર ઉલેચવા માટે નહીં પણ શિકાર શોધવા માટે હોય છે. ખલજ્ઞાનીઓનું જ્ઞાન પેટ ભરવા માટે છે. પરમતત્વની પ્રાપ્તિ માટે નહીં. સ્વામીએ ખલજ્ઞાનીઓ માટે બીજું દ્રષ્ટાંત પારાધીનું આપ્યું છે. પશુઓનો સ્વભાવ છે કે તેઓ લીલી ચાર્ય જોઈને લલચાય છે. પારાધી હરિયાળાં વૃક્ષ, વેલી, ઘાસની આડશે ઊભા રહી લાગ સાધે છે. લીલા ચારાની લાલચે નજીક આવતાં પશુઓનો શિકાર કરે છે. એજ રીતે ખલજ્ઞાનીઓ જાતજાતની લોભલાલચોના ફાંસલા બાંધી જીવોને ફસાવે છે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. શૂન્યવાદી બ્રહ્મજ્ઞાનીઓ ‘એકજ બ્રહ્મસભર ભર્યો છે.’ માટે કોણ સ્ત્રી કોણ પુરુષ આવી મિથ્યાજ્ઞાનની ઓથ લઈ શાસ્ત્રોએ બાંધેલી વિધિ નિષેધની મર્યાદાઓને મિથ્યામાની સ્વેચ્છાચારી વર્તે છે. આવા સ્વેચ્છાચારીઓ પણ પાપના જ ભાગીદાર છે. એમ મંજુકેશાનંદ સ્વામી કહે છે.

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026