ભલેને પધાર્યા રે ગિરધર ગાજતા રે, હવે મુને કરી કૃતારથ કાન; નયણાં ઠરે છે રે નાથને નિરખતાં રે, જેનું નિત્ય ધરીને રહેતા ધ્યાન-૧ દુ:ખડાના દા’ડા રે હવે તો દૂર ગયા રે, લીધી છેલછબીલે મારી સાર; જીવન જોઈને રે જગ જૂઠો થયો રે, તમ સંગ લાગ્યો રંગ એકતાર-૨ કમળા સરખી રે કરી મુને કાનજી રે, ગ્રહી ગુણવંતે મારો હાથ; ભલું મારું ભાગ્ય રે ફળ્યું કોઈ કાળનું રે, પામી પતિ અખિલભુવનનો નાથ-૩ અખંડ સોહાગી રે તમને જે જાણશે રે, માણશે મહાસુખ મોજ અપાર; મુક્તાનંદ કહે છે રે તમને પરહરી રે, ભવજળ કોઈ ન પામે પાર-૪
