મુખ્ય સામગ્રી પર જાઓ

નવલ સનેહી નાથજીરે, આવડો શો અમારો વાંક

નવલ સનેહી નાથજી રે, આવડો શો અમારો વાંક;
         મેલીને ચાલી નિસર્યા, વાલા શિદને રોવરાવ્યાં રાંક...નવ૦ ૧
બાંહ્ય ગ્રહીને બળવંતજી રે, છેક દીધો કેમ છેહ;
         પ્રીત કરીને હરિ પરહર્યા, વાલા તોડી બાળ સ્નેહ...નવ૦ ૨
સમરથ થઈને શ્રીહરિ રે, નિજ આશ્રિતને હિન;
         ત્રિકમ કેમ તરછોડિયાં, જેમ કાઢે સાગરથી મીન...નવ૦ ૩
અમે આવડું નવ જાણિયું રે, રહ્યાં વિશ્વાસે નાથ;
         મધ્ય પૂરમાં ઠેલી મેલિયાં, વાલા પ્રથમ ગ્રહીને હાથ...નવ૦ ૪
તમે જેવા છો તેવું કરજો રે, અવગુણ જોશો મા માવ;
         પ્રેમાનંદના હો નાથજી, નેહ નિભાવણ નાવ...નવ૦ ૫

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026