ધર્મકુંવર હરિકૃષ્નજી રે, મારા પ્રાણઆધાર;
જીવન જાશોમાં વિસરી, હરિવર હૈડાના હાર.ધર્મ૦ ૧
દયાળુ દયા મન આણજોરે, જાણી પોતાનાં દાસ;
બરદ પોતાનું પાળજો, વહાલા અમને તમારી આસ.ધર્મ૦ ૨
અમૃત પાઇને ઉછેરીયાંરે, આપ્યાં સુખડાં અપાર;
સર્વે તે કષ્ટથી ઉગારીયાં, પ્રાણ પ્યારા શિરદાર.ધર્મ૦ ૩
એવા દયાળુ થઇ શ્રીહરિ રે, થયા નિર્દયી બહુ નાથ;
ઘણારે દિવસની પ્રીતડી, વહાલા કેમ તોડી એક સાથ.ધર્મ૦ ૪
દગો રાખી હરિ દીલમારે, કીધી વિશ્વાસઘાત;
પ્રેમાનંદના નાથ છેતર્યાં, કહિયે કેને દલડાની વાત.ધર્મ૦ ૫
