શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા, ઘડીએ ન મેલું વાલાજીને નયણાંથી ન્યારા રે...શામળિયો૦૧ તન મન ધન મારું વાલાજીને કાજે, હવે નથી બીતી દુરિજન લોકડાની લાજે રે...શામળિયો૦૨ વાલાજી સંગાથે બાઈ મારું ચિત્તડું બંધાણું, હવે આ સંસારિયાને તૃણ જેવા જાણું રે...શામળિયો૦૩ મેલ્યો રે સંસારિયો મેં તો હરિવર માટે, વાલોજી વરી હું બાઈ મારા શિરને સાટે રે...શામળિયો૦૪ ભલે રે મળ્યા બાઈ મને હરિવર આવી, પ્રેમાનંદના વાલાની હું તો કા’વી રે...શામળિયો૦૫
