આલી મને મળિયા પૂરણ બ્રહ્મ, અક્ષર પર છેલડો રે લોલ; ગવૈયા સાથે કરે છે ગાન, રસિયો રંગરેલડો રે લોલ.૧ જનને આપે દર્શન દાન, બોલાવી સર્વને રે લોલ; કામણ કરિયાં ધર્મને લાલ, કરી રૂડા મર્મને રે લોલ.૨ મનડાં હરિયાં પ્રાણજીવન, કરી રૂડી વાતડી રે લોલ; સુણી સર્વે નર ને નાર, ટાળે મન ઘાતડી રે લોલ.૩ મંચે બેઠા ત્રિભુવનરાય, સાધુના સંગમાં રે લોલ; કરુણા કરી બોલે છે વેણ, પ્રભુ અતિ ઉમંગમાં રે લોલ.૪ બ્રહ્મવિદ્યા ગાનવિદ્યાના રૂપ, દેખાડે સર્વેને રે લોલ; ધર્મકુળ પાવન શ્રીઘનશ્યામ, હરે સૌના ગર્વને રે લોલ.૫ નિત્ય નિત્ય આપે નૌતમ સુખ, મનોહર માવજી રે લોલ; જ્ઞાનમુનિ ધારે નિત્યે ઉર, ધર્મકુળ રાવજી રે લોલ.૬
