મુખ્ય સામગ્રી પર જાઓ

હરિમા હેત તે પુણ્ય છે,બીજે પ્રેમ તે જાણો પાપ રે, સહુ પાપ તજીને પુણ્ય કરો

હરિમા હેત તે પુણ્ય છે, બીજે પ્રેમ તે જાણો પાપ રે, સહુ પાપ તજીને પુણ્ય કરો...૧
હરિ સહુના સાચા સ્નેહી છે, જાણો સંત હરિ મા-બાપ રે...સહુ પાપ૦ ર
જાણો મહિમા શ્રીજી સંતનો, રાખો મહિમાવાળાનો સંગ રે...સહુ પાપ૦ ૩
અવગુણિયાથી રહેજો આઘા, એ તો ટાળે સદા ઉમંગ રે...સહુ પાપ૦ ૪
જેવો સંગ કરો તેવા ગુણ આવે, જેવો આહાર તેવો ઓડકાર રે...સહુ પાપ૦ ૫
જે જનને જેવા થાવું હોય, તેણે તેવાથી કરવો પ્યાર રે...સહુ પાપ૦ ૬
જેવા સેવશો એવા થાશો તમે, સંગ જબરો છે બળવાન રે...સહુ પાપ૦ ૭
જ્ઞાનજીવન સારો સંગ શોધી, બહુ ભાવે ભજો ભગવાન રે...સહુ પાપ૦ ૮

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026