મુખ્ય સામગ્રી પર જાઓ

ધન્ય ધન્ય તે આજ મારું આંગણું જો

ધન્ય ધન્ય તે આજ મારું આંગણું જો,
         અતિ શોભે તે સુંદર સોયામણું જો...૧
આવ્યા ભોવન આજ હરિ ભાવશું જો, 
         હું તો ઉઠી મળી જો ઉછાવશું જો...ર
હું તો મુખ મોહનજીનું જોઇને જો, 
         મારું મન રયું છે સખી મોઇને જો...૩
જોઇ જીવન મન તે મારું ઠર્યું જો,
         આજ કારજ મારું તે સર્વે સર્યું જો...૪
સખી પામી હું શામના સંજોગોને જો, 
         મેં તો વિસારી મેલ્યો છે વિજોગને જો...પ
સજ કરી દીપક જોત્ય ડોલતી જો, 
         જાણું રખે હરિ હવે ભુલતી જો...૬
તારે હરિયે તે હેતે પ્રિત્યે કરી જો, 
         લહી મારે જો કંઠે બાંહોડી ધરીજો...૭
તારે સ્થિર તે થઇ કહું તુજને જો, 
         મેતો જાણ્યું ન મેલે હરિ મુજને જો...૮
મારે હરિ હું હવે હરિની થઇ જો, 
         એમ મોહન સંગે હું મળી રઇજો...૯
હતા ભયે ભવના તે તો ટળ્યાજો, 
         મુને નિષ્કુળાનંદના સ્વામી મળ્યાજો...૧૦

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026