મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અતિ આનંદ મારા અંગમા

આજ અતિ આનંદ મારા અંગમા, જો૦ હરિ આવી મળ્યા ઉછરંગમા...જો૦ ૧
હરિ એકમેક થયા અંગો અંગે, જો૦ હું તો રંગે રમી જો શામ સંગે...જો૦ ર
બાથે ભીડી મેં કાયા કોમળને, જો૦ કોણ આવે તોલ્યેજો તેહ પળને...જો૦ ૩
મારા મનના મનોરથ પુરીયા, જો૦ ભાવે ભેટ્યા ને ભાવે ભાવ જો પુરા થયા...જો૦ ૪
આપ્યું સુખ તેની ઓછપ જો રાખી નહી, જો૦ હતી હોસ્ય જે હૈયે તે પુરી થઇ...જો૦ પ
મુને મગન કરી રસ પાઇને, જો૦ અંગે આવ્યો તે રંગ જણાઇને...જો૦ ૬
સહી ઉપમા આપું તે આ સુખને, જો૦ ટાળ્યા અનેક જનમના દુઃખને...જો૦ ૭
ધન્ય ધન્ય જીવન મારું જાણીયું, જો૦ મેં તો સુખ મોહનજીનું માણીયું...જો૦ ૮
ધન્ય ધન્ય અવસર આજનો, જો૦ મુને મળ્યો સંજોગ મહારાજનો...જો૦ ૯
કર્યા શામે જો સનાથ અનાથને, જો૦ મળ્યા નિષ્કુળાનંદના નાથને...જો૦ ૧૦

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026