મુખ્ય સામગ્રી પર જાઓ

વાલે વાલપ્ય કરી મુજ ઉપરે જો

વાલે વાલપ્ય કરી મુજ ઉપરે જો,
         આપ્યું સુખ તે સમોહ બહુ પેરેજો. ૧
હરિ હેતે કરીને આજ આવીયાજો, 
         અમ કાજે અલોકી સુખ લાવીયા જો. ર
મારે મંદિર પધાર્યા મેલી માનને જો, 
         વાલા વારી જાઉં જો ભીના વાનને જો. ૩
મારાં નેણા ઠરે છે નિરખીજો, 
         હું તો હૈડે રઇ છું ઘણું હરખી જો ૪
ચિત ચકોર ચંદ નંદલાલ છે જો, 
         મારે વાલો જોયાની ઘણી વાલ છે જો. પ
મુખ જોયા વિના દુઃખ જો જાયે નહીં જો, 
         શામ ભેટ્યા વિના સુખ થાય નહીં જો. ૬
લાડ કોડ પુરે છે મારા મનના જો, 
         ત્રય તાપ ટાળે છે મારા તનનાજો. ૭
લટકંતા આવે છે લાલ લટકેજો, 
         ચડી ચાખડી ચમકે ચાલ્યા ચટકેજો. ૮
અણ ચિતવ્યા આવીને ઉભા રહેજો, 
         કેવું ઘટે તે કાંઇ મુજને કહેજો.૯
મારે પૂરણ લેણું જે પ્રિતે મળ્યાજો, 
         નાથ નિષ્કુળાનંદનો મુજને મળ્યાજો. ૧૦

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026