મુખ્ય સામગ્રી પર જાઓ

જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી

જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;
          દયા રે નથી જેનાં દિલમાં.મારે માર અપારજી...જમડા.૧
કાળ અચાનક આવશે, લેશે જીવ જરૂરજી;
         કાયા રે કરમાશે તારી કારમી, થશે ધૂળ ભેગી ધુળજી...જમડા.૨
માથે નગારાં વાગે મોતનાં, કોપ કરી રહ્યો કાળજી;
         ચેતો રે ચેતો ચતુર ચિત્તમાં, કોણ વૃદ્ધ કોણ બાળજી...જમડા.૩
આવરદાનું અપ્રમાણ છે, નથી પલનો નીરધારજી;
         મરણ ભમે માથે માનવીને, કાળ વશ નરનાર..જમડા.૪
માત પિતા ભાઇ દીકરા, મહા સ્નેહવંતી નારજી;
         અંતે રહેશે સહુ અળગાં, જુઠાં કરશે પોકારજી...જમડા.૫
ધન દોલત મેડી માળીયાં, બહુ બંગલાને બાગજી;
         તેને રે તજી જાવું એકલું, કાળા ઉડશે ત્યાં કાગજી...જમડા.૬
કોના બંધવ કોના બેટડા, કેનાં માય ને બાપજી;
         અંતે જાવું પ્રાણી એકલું, સાથે પુન્ય ને પાપજી...જમડા.૭
એટલા સારુ તે આળસ તજી, ભજો શ્રી અવિનાશજી;
         ત્યારે ઉગરશો કાળથી, કહે નારાયણદાસજી...જમડા.૮ 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026