મુખ્ય સામગ્રી પર જાઓ

મરણ આવ્યું તે પાછું નહિ વળે, કરશો કોટિ ઉપાયજી

મરણ આવ્યું તે પાછું નહિ વળે, કરશો કોટિ ઉપાયજી;
          દોરી રે તુટી જે આ દેહની, પછી નહિ તે સંધાયજી...મરણ.૧
વૈદ્ય તેડાવો કોટી વેગથી, જુવે નાડી જરૂરજી;
          દવા રે કરી કરી હારિયા, દુઃખ નવ થાય દુરજી...મરણ.૨
ભુવા તેડાવો કાઢે ભૂતને, ઘરમાં થાય ધુણા ધુણજી;
          ડમ ડમ વાગે રૂડા ડાકલાં, દુઃખ દુર કરે કોણજી...મરણ.૩
જપ કરાવો જોષી પાસે, રખે ગ્રહ વાંકા હોયજી;
          પનોતિ બેઠી પાયે લોહને, જન્મપત્રિકા જોયજી...મરણ.૪
બાધા રાખો બધા દેવોની, ખરચો રૂપિયા અનેકજી;
          આખડી રાખો અતિ આકરી.મટે રોગ ધરો ટેકજી...મરણ.૫
તેડું આવ્યું જમરાયનું, તે તો પાછું ન જાયજી;
          ચિક્રી રે આવી ચાલવા તણી, કહો કેમ રે'વાયજી...મરણ.૬
જન્મ ધર્યો ત્યાંથી જાણવું, માથે મરણ જ હોયજી;
          વૃથા વેળા શાને કીજીયે, શોક તજી દ્યો સૌ કોયજી...મરણ.૭
મનનું ધાર્યું તે મનમાં રહે, ધાર્યું ધણીનું તે થાયજી;
          નારણદાસના નાથને, ભજે ભવદુઃખ જાયજી...મરણ.૮
 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026