મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વપ્ના જેવો આ સંસાર તે, ખોટો ખલકનો ખેલજી

સ્વપ્ના જેવો આ સંસાર તે, ખોટો ખલકનો ખેલજી;
             જુઠી રે બાજી આ જગતની, માયા મોહની ભરેલજી...સ્વપ્ના.૧
પલના પરૂણા આવીયા, જાવું પલમાં જરૂરજી;
              ઇન્દ્ર ધનુષ્ય જેવું આભમાં, જેવું પાણીનું પુરજી...સ્વપ્ના.૨
કહો ભાઇઓ ક્યાંથી આવીયા, જાવું કેને તે ઘેરજી;
              કોણ છે સગું આ સંસારમાં, પૂછી જુવો તેની પેરજી...સ્વપ્ના.૩
આકરી વખત જ્યારે આવશે, ત્યારે કોણ કેનું હોયજી;
              ઘાંટો ઝલાશે ઘડી એકમાં, છેટા રહે સૌ કોયજી...સ્વપ્ના.૪
આપણી હેડીના હાલી ગયા, ત્યારે આપણે શી વારજી;
              પાણી અચાનક આવશે, પછી નહિ થાય પાળજી...સ્વપ્ના.૫
શું કરવા આવ્યા આપણે, શું કરવા બેઠા કામજી;
              શું રે કહ્યું તું ગર્ભવાસમાં, તેનું ભૂલી ગયા નામજી..સ્વપ્ના.૬
અલ્પ આયુષ છે આપણી, તેમાં કલ્પના ક્રોડજી;
              મિથ્યા મમત મૂકી માનવી, સમરો શ્રી રણછોડજી...સ્વપ્ના.૭
ઘર તજી ઘડી એકમાં, કરવો વગડામાં વાસજી;
              વાલા વિસારી રહેવું વેગળું, કહે નારાયણદાસજી...સ્વપ્ના.૮
 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026