મુખ્ય સામગ્રી પર જાઓ

જગમાં ઝાઝું નથી જીવવું, મરવું પગલાંને હેઠજી;

જગમાં ઝાઝું નથી જીવવું, મરવું પગલાંને હેઠજી;
         મોટા મોટા તે મરી ગયા, લાખો લખપતિ શેઠજી. જગમાં.૧
રાવણ સમો નહિ રાજીઓ, હિરણ્યકશ્યપ અસુરજી;
         કેર કૌરવનો તે થઇ ગયો, ઉડી ગયાં જેમ તુરજી. જગમાં.૨
સગર રાજાને ઝાઝા છોકરા, હતા સાઠ હજારજી;
         યજ્ઞ તુરંગ ગયા ગોતવા, થયા ભસ્મ તે ઠારજી. જગમાં.૩
અનગણ નાણું નંદરાયનું, રહ્યું દરિયાની માંયજી;
         તેની રે ત્રાસે પ્રાણ છાંડીયો, કામ ન આવ્યું કાંયજી. જગમાં.૪
ઉઠી શક્યો નહિ ઉટીયો, બોલાવ્યો બહુ વારજી;
         બોધ લાગ્યો તે બાજંદને, ચાલ્યા છોડી સંસારજી. જગમાં.૫
વિજના ઝબકારા જેવું જીવવું, જેવું વંડીનું ઘાસજી;
         પાણી રે તણો પરપોટડો, એવી જીવવાની આશજી,  જગમાં.૬
દુઃખના ડુંગર જ્યારે ઉગશે, ત્યારે કોણ કરે સહાયજી;
         નારાયણદાસના નાથને, ભજે ભવ દુઃખ જાયજી. જગમાં.૭
આ કીર્તન શિખે સાંભળે, તેને ઉપજે વૈરાગજી;
          લગની લાગે નંદલાલમાં, કરે સંસાર ત્યાગજી. જગમાં.૮
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026