મુખ્ય સામગ્રી પર જાઓ

કાયામાયા કુડી રે રાખી તારી રેશે નહી

કાયામાયા કુડી રે, રાખી તારી રેશે નહી,
              જો ને તું વિચારી રે, ઘેલા કેમ અકલ ગઇ.ટેક
નંદુરાજાને અણગણનાણું ભર્યા સંચી ભંડાર,
કોડી અંતે કામ ન આવી જાંતા ન લાગી વાર;
             ન ખાધી ન ખરચી રે વેઠયો મુવો ભાર વઇ.કાયા ૧
રાવણ રીધ સીધી પૂરણ પામ્યો ઈંદ્ર અધિક અભિમાન,
અજ્ઞાને અવરાણું અંતર, ભૂલી ગયો મૃત્યુ ભાન;
             વાદળની છાયા રે જોતાં જોતાં છેટે જઇ.કાયા ર
ભજ્ય ભગવાન માન તન મેલી, બેલી કર્ય બળવીર,
લાલચ્ય રાખે લક્ષ્મીવરની, ધરજે મનમાં ધીર ટેક
             અધમ ઉધારણ રે અભેપદ આપે સઇ.કાયા ૩
મૃગજળ ભરવા મુરખ માણસ સૌ દોડે સંસાર,
વાત વિચારી પાછો વળજે, પામ્યા નથી કોઇ પાર;
             દેવાનંદ દેખી રે વિવેકની વાત કહી.કાયા ૪ 
રચયિતા :
દેવાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026