મુખ્ય સામગ્રી પર જાઓ

તું તો જોને વિચારી તારા ચિત્તમાં રે

તું તો જોને વિચારી તારા ચિત્તમાં રે,
       પામી મનુષ્યનો દેહ અતિ સાર;
              રૂડું ઇચ્છે જો તું તારા જીવનું રે...રૂડું૦ ટેક
પ્રભુ પ્રગટ સંગાથે કર પ્રીતડી રે,
              પામવાને ઇચ્છે જો ભવપાર...રૂડું૦ ૧
મેલી રાજપાટ છત્રપતિ ચાલિયા રે,
              અતિ મહા મોટા ભુપાલ...રૂડું૦ ૨
મોટા કોટિ ધ્વજ ગયા ઝખ મારતા રે,
              ખાટે ઝૂલતા બેસતા સુખપાલ...રૂડું૦ ૩
કુંભકર્ણ રાવણ જેવા ચાલિયા રે,
              કરતા તનનું મહા અભિમાન...રૂડું૦ ૪
સુર દાનવ માનવને નથી સ્થિરતા રે,
              નિત્ય કરતા અમૃત રસપાન...રૂડું૦ ૫
મહા વિકટ વંકા જોધા ચાલિયા રે,
              કે’દી મરવાની ધરતા ન આશ...રૂડું૦ ૬
સિદ્ધાનંદ કે’ તપાસ તારા મનમાં રે,
              નર્ક ખાણમાં થાશે તારો વાસ...રૂડું૦ ૭

રચયિતા :
સિદ્ધાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026