મુખ્ય સામગ્રી પર જાઓ

ભૂલી ગયો આવીને સંસારમાં રે

ભૂલી ગયો આવીને સંસારમાં રે, લખચોરાશીનાં દુઃખ અનંત;
           નિજ નારીએ લીધો તને ધુતિને રે…    ટેક
કોલ કરાર કરીને ગર્ભવાસથી રે,
           બા’ર આવ્યો ભજવા ભગવંત…નિજ૦ ૧
માયા મોહ જંજાળની જાળમાં રે,
           અવરાણો આવીને અબૂજ…નિજ૦ ૨
માત તાત સંગાથે વેર બાંધિયું રે,
           મૂઢ ભૂલ્યો પરમ એ પૂજ…નિજ૦ ૩
વણ વિચાર્યું કર મા કર્મ દેહનું રે,
           કોટી જન્મનો શિર તારે ભાર…નિજ૦ ૪
વેદ પુરાણ કે’છે એમ વારતા રે’
           સંત મુખે કરે છે પોકાર…નિજ૦ ૫
સાચા સંતની સોબત ગમતી નથી રે,
           જાણે પૂર્વજન્મનું એ તારું પાપ...નિજ૦ ૬
સિદ્ધાનંદ કે’ જો ઇચ્છે દુઃખ ટાળવા રે,
            તો તું પ્રભુની ધર શિર છાપ…નિજ૦ ૭

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026