મુખ્ય સામગ્રી પર જાઓ

ગઢપુર ગામ શોભાનું છે ધામ રે, આવી વસિયા તીરથ તમામ

ગઢપુર ગામ શોભાનું છે ધામ રે, આવી વસિયા તીરથ તમામ...ટેક
ઘેલો નદી ગામને ગોંદરે રે, સંત નાય નારાયણ ધરે રે;
         પુરુષોત્તમ ઘાટે પ્રભુ સ્નાન કરે...ગઢપુર૦ ૧
બીજી નદીએ નાયા અવતાર રે, તેનો મહિમા જાણે છે સંસાર રે;
         ઉન્મત્તગંગાનો મહિમા અપાર...ગઢપુર૦ ૨
ગંગા જમુના ગોદાવરી તાપી રે, તેને સ્પર્શી ન રહે જીવ પાપી રે;
         રહે મોક્ષ અધૂરો તથાપી...ગઢપુર૦ ૩
ઉન્મત્તગંગાનો સ્પર્શ કરીને રે, કાળ કરમ માયાને તરીને રે;
         બેસે ધામમાં ઠેઠ ઠરીને...ગઢપુર૦ ૪
અડસઠ તીરથ રહ્યા એ મોઝાર રે, એવી વિરજા વસી એહ ઠાર રે;
         ગંગા યમુના તે પર બલહાર...ગઢપુર૦ ૫
ઉન્મત્તગંગા અઘ ઓઘ હરણી રે, પતિત જીવને પાવન કરણી રે;
         અક્ષરધામ જવાની નિસરણી...ગઢપુર૦ ૬
અક્ષરધામના ધણી મહારાજ રે, કરવા અનેક જીવનાં કાજ રે;
         સાથે લાવિયા સર્વે સમાજ...ગઢપુર૦ ૭
આવી રહ્યા ગઢપુરમાંય રે, નિત્ય ઘેલી ગંગાજીમાં નાય રે;
          દાસ હરિ કે પુરુષોત્તમરાય...ગઢપુર૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ભાગવત મહિમા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026