મુખ્ય સામગ્રી પર જાઓ

ગઢપુર ગામ ઘેલા નદી કાંઠે રે, તેનો મહિમા ગાય મુખપાઠ

ગઢપુર ગામ ઘેલા નદી કાંઠે રે, તેનો મહિમા ગાય મુખપાઠે રે...ટેક
દુર્ગપુરનો મહિમા શું કહી દાખું રે, મળ્યા મુક્ત મુમુક્ષુ જ્યાં લાખું રે;
         વૈકુંઠ તે પર વારી નાખું...ગઢપુર૦ ૧
આદિ મુક્ત ઈશ્વરના ઉપાસી રે, નિરન્નમુક્ત ધામના નિવાસી રે;
         અગણિત મુક્ત યોગના અભ્યાસી..ગઢપુર૦ ૨
મોટા સંત વસે ત્યાં અપાર રે, વ્રત તપ જપના કરનાર રે;
         ધારણા ધ્યાનના ધરનાર...ગઢપુર૦ ૩
વસે સમાધિવાળા કાંઈ સંત રે, કાંઈક સેવે છે મોટા મહંત રે;
          અક્ષરવાસી મુક્ત છે અનંત...ગઢપુર૦ ૪
નૈમિષારણ્ય નિર્મળ સ્થાન રે, રહે મુક્ત સહિત ભગવાન રે;
         કીધું ગઢડું ગોલોક સમાન...ગઢપુર૦ ૫
જેને એક અક્ષરનો આધાર રે, પુરુષોત્તમના ચરણ સેવનાર રે; 
         એવા મુક્ત વસે જ્યાં અપાર...ગઢપુર૦ ૬
પામ્યા પુરુષોત્તમ સાથે પ્રીત રે, જાણે બ્રહ્મ નિરૂપણ રીત રે;
         કરે મુમુક્ષુને વાતો નિત...ગઢપુર૦ ૭
એવા મુક્તનાં દર્શન સારુ રે, આવે દેવ મનુષ્ય હજારું રે;
          દેખી દાસ હરિને લાગે પ્યારું...ગઢપુર૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ભાગવત મહિમા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026