મુખ્ય સામગ્રી પર જાઓ

ધન્ય ધન્ય ગોપાળાનંદ મુનિ રાય રે, જેનો મહિમા મૂળપુર

ધન્ય ધન્ય ગોપાળાનંદ મુનિ રાય રે, જેનો મહિમા મૂળપુરુષ ગાય...ટેક
રહે પુરુષોત્તમ સંગે સદાય રે, એક નિમિષ દૂર નવ થાય રે;
         આવી રહ્યા ગઢપુરમાંય...ધન્ય૦ ૧
જેણે ગોપાળાનંદ ગુરુ કરિયા રે, તેના જનમ મરણ રોગ હરિયા રે;
         ભવસાગર પાર ઊતરિયા...ધન્ય૦ ૨
પામ્યા પુરુષોત્તમનો પ્રસંગ રે, જેનું બ્રહ્મ તેજોમય અંગ રે;
         કરો દર્શન આણી ઉછરંગ...ધન્ય૦ ૩
અક્ષરપતિ સંગ એ પધાર્યા રે, કોટિ જીવનાં કાજ સુધાર્યાં રે;
         તેના ત્રિવિધિ તાપ નિવાર્યા...ધન્ય૦ ૪
એહ સાથે થઈ મારે પ્રીત રે, બીજે ચોંટે નહિ ક્યાંય ચિત્ત રે;
         કરું ચરણ સેવા નિત નિત...ધન્ય૦ ૫
શાણા જન સત્સંગ કરીને રે, પૂરણ પુરુષોત્તમ શ્રીહરિને રે;
         ભજો પૂરણ પ્રેમ ધરીને...ધન્ય૦ ૬
લખચોરાશી ફેરા મટાડી રે, અક્ષરધામનું બાર ઉઘાડી રે;
         દીયે બ્રહ્મસભામાં બેસાડી...ધન્ય૦ ૭
નયણે નીરખી કરે ચરણસેવા રે, ગાતા ગુણ દાસ હરિ જેવા રે;
          વાસ અક્ષરધામમાં લેવા...ધન્ય૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ભાગવત મહિમા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026