મુખ્ય સામગ્રી પર જાઓ

કૂંચી અક્ષરની આદરી રે, માંડી ઉમંગ એરણ

કૂંચી અક્ષરની આદરી રે, માંડી ઉમંગ એરણ;
          હિંમત હથોડી લઈ હાથમાં, હાંરે મોટો મહિમાનો ઘણ...કૂંચી૦ ૧
ભક્તિની વાળી છે ભૂંગળી રે, નાખી દાનનું ડીંટ;
         પુણ્યનાં કર્યાં બે પાંખિયાં, હાંરે વાળ્યો વિવેક વીંટ...કૂંચી૦ ૨
પ્રેમ પીતળ માથે પાથરી રે, મેલ્યો તપ ટંકણખાર;
         જપની જાળમાં લઈ ઘાલિયા, હાંરે ઓર્યા આજ્ઞા ઇંગાર...કૂંચી૦ ૩
ધમણ ચડાવી ધૂનની રે, રેણ થયું રસબસ;
         દાસ હરિ કે કાજુ બની, હાંરે કૂંચી સારી સરસ...કૂંચી૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026