મુખ્ય સામગ્રી પર જાઓ

કૂંચી વિના કામ નહિ સરે રે, કરે કોટી ઉપાય

કૂંચી વિના કામ નહિ સરે રે, કરે કોટી ઉપાય;
          બ્રહ્મમહોલનું બારણું, હાંરે કેમ ઉઘાડું થાય...કૂંચી૦ ૧
કોડે કૂંચી લેને કરમાં રે, ફૂલ્યો ફરે શું અંધ;
         તાળું તિજોરીનું ઊઘડે, હાંરે છૂટે માયાનાં બંધ...કૂંચી૦ ૨
સોળ કૂંચી લેને સામટી રે, તેણે તાળું ઉઘાડય;
         તેર કળું ને ત્રણ દાદરા, હાંરે કળે કૂંચી લગાડય...કૂંચી૦ ૩
તાળું તૂટે જો માયા તણું રે, મટે જનમ મરણ;
         દાસ હરિ કે ભય ભાંગવા, હાંરે કર સ્નેહે સ્મરણ...કૂંચી૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026