મુખ્ય સામગ્રી પર જાઓ

માને હો મન સોબત મળી છે રૂડા સંતની

માને હો મન સોબત મળી છે રૂડા સંતની.
           માને હો મન અવધી આવીછે દુઃખ અંતની...૧
માને હો મન દેવને દુર્લભ દેહ પામીયો.
           માને હો મન આજ તો અનેક દુઃખ વામીયો...ર
માને હો મન હીરો તે આવ્યો છે તારા હાથમાં.
           માને હો મન સમજી મ ચાલે ઠગ સાથમાં...૩
માને હો મન કામ ક્રોધ લોભ તે લેશે લુટી.
           માને હો મન પછે પસતાઇશ શિશ કુટી...૪
માને હો મન હાથ બાજી જીતી તે ન હારીયે.
           માને હો મન કોપી પેટ કટારી ન મારીયે...પ
માને હો મન તક આવી તેતો નવ ચૂકીયે.
           માને હો મન સદ્‌ગુરુ શરણ ન મુકીયે...૬
માને હો મન સતસંગ તે તો નહિ ત્યાગીયે.
           માને હો મન હરિજન પાસ વાસ માગિયે...૭
માને હો મન નિષ્કુળાનંદ એ નિશ્ચે કરી.
           માને હો મન સંત જીયાં ત્યાં સદા હરિ...૮

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026