મુખ્ય સામગ્રી પર જાઓ

મતિ હો મંદ પશુ તણી પેર્યે જો પેટ ભર્યું

મતિ હો મંદ પશુ તણી પેર્યે જો પેટ ભર્યું,
         મતિ હો મંદ મોક્ષનું સાધન કાંઇયે ન કર્યું. ૧
મતિ હો મંદ ખાઇ ખાઇ ધ્રાઇને રહ્યો સુઇ,
         મતિ હો મંદ જાગ્યો ત્યારે ધન યોષિતા જોઇ. ર
મતિ હો મંદ આવ્યો અવસર એળે જાય છે,
         મતિ હો મંદ ધંધામાં નિરંતર ધાય છે. ૩
મતિ હો મંદ સુખ તે સંસારનું જાશે મટી,
         મતિ હો મંદ જાય છે કસુંબો જેમ ઉવટી. ૪
મતિ હો મંદ બુદ્ધિ તે આવી છે તુંને અવળી,
         મતિ હો મંદ સંત જો મળે તો કરે સવળી. પ
મતિ હો મંદ ખોટાને જાય છે ખરું કરવા,
         મતિ હો મંદ ઝાંઝવાનાં જળ માંડે ભરવા. ૬
મતિ હો મંદ ધનદારા સુતના સંજોગથી,
         મતિ હો મંદ ભુખ ભાગી નહિ કેની ભોગથી. ૭
મતિ હો મંદ નિષ્કુળાનંદ કહે ન્યાયનું,
         મતિ હો મંદ તારે જીવ તરવા ઉપાયનું. ૮

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026