મુખ્ય સામગ્રી પર જાઓ

જોજે હો જીવ વસમું લાગે છે વાલી વાતમાં

જોજે હો જીવ વસમું લાગે છે વાલી વાતમાં,
         જોજે હો જીવ જાણીને જાઇશ જમ હાથમાં. ૧
જોજે હો જીવ જાણેછે માણીશ ઘણી મોજને,
         જોજે હો જીવ જાણતો નથી તું જમ ફોજને. ર
જોજે હો જીવ તુજ થકી મોટા તે મરી ગયા,
         જોજે હો જીવ કાળની ઝાળમાં કોઇ ન રયા. ૩
જોજે હો જીવ તેની તો ચિંતા તુજને નહિ,
         જોજે હો જીવ કહિ કહિ તુજને. થાકયા કહિ. ૪
જોજે હો જીવ તારે તો જાવું છે ઘડી તાળમાં,
         જોજે હો જીવ પાયા તું નાખે છે જો પાતાળમાં. પ
જોજે હો જીવ અચંબો આવે છે એનો અમને,
         જોજે હો જીવ જાણતો નથી તું વેરી જમને. ૬
જોજે હો જીવ અચાનક આંહીથી જાશે લહી,
         જોજે હો જીવ અધવચ આદર્યું જાશે રહી. ૭
જોજે હો જીવ નિષ્કુળાનંદ કહે નોરની,
         જોજે હો જીવ સુખની શીખ નથી જોરની. ૮

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026