મુખ્ય સામગ્રી પર જાઓ

નિત્ય ઉઠીને નાનડીયારે. કેડ ન લૈયે કાનુડા

નિત્ય ઉઠીને નાનડીયારે. કેડ ન લૈયે કાનુડા.
         આવા કેડે કેમ જ પડીયારે. કેડ ન લૈયે કાનુડા.૧
શું બળ દેખાડો બળીયારે. કેડ.
          હવે નહીં સાંખું શામળીયારે. કેડ. ર
તમે માત પિતાને મોંઘારે. કેડ.
         આવા શિદ થયા છો સોંઘારે. કેડ. ૩
પરાણે પ્રીત ન થાયેરે. કેડ.
         મન માને વાત મનાયેરે. કેડ. ૪
તમે લાલચમાં લલચાવોરે. કેડ.
         તમે ભોળવીને ભરમાવોરે. કેડ. પ
તમે મુખથી બોલો મીઠુંરે. કેડ.
          એ ડહાપણ સર્વે દીઠુંરે. કેડ. ૬
જો તમશું સગપણ કરીયેરે. કેડ.
         તો તમ જેવા થઇ ફરીયેરે. કેડ. ૭
નથી તમ જેવી નકામીરે. કેડ.
          નિષ્કુળાનંદના સ્વામીરે. કેડ. ૮

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026