મુખ્ય સામગ્રી પર જાઓ

આ ચાતુરીઓ ચોવીસ છે, તેમાં પ્રગટની લીલા કઇ

આ ચાતુરીઓ ચોવીસ છે, તેમાં પ્રગટની લીલા કઇ;
           જથારથ કેવા કારણે, નથી શેષ શારદ તે સહી....૧ 
અલ્પમતિ કવિ કે' અતિ, હરી લીલા અપરંપારને;
           પિંગળ કાવ્ય જોયા વિના, કવિ શું કરે ઉચારને....૨ 
પણ નિજ મતી અનુસારથી, કહી પ્રગટ લીલા કથી;
           જથારથ કેવા કવિ, કોટી બ્રહ્માંડમા કોઇ નથી....૩ 
પુરુષોત્તમ અક્ષરપતિ, અવતારના અવતારી છે;
           કારણ પ્રેરક સર્વના કાળે, તેની લીલા વિસ્તારી છે.....૪ 
એમ જાણી મહારાજને, આ ચાતુરીઓ જે મુખ ગાય છે;
           માયા માથે પગ દઇ, તે જરૂર ધામમાં જાય છે.....૫
દૈવી સંપતિ જીવ જક્તમાં, તે ગાવે ભાવે ભરી;
           આસુરી સંપતિ અસુરને, નાવે અરથમાં આ જરી....૬
દૈવી જીવ જે જક્તમાં, અને પ્રગટના કૈયે વળી;
           તેને આ મળતી આવશે, જેમ પયમાં સાકર ભળી.....૭
પય સાકરને જે પીએ, તે સુખી થાય બહુ તનમાં;
           તેમ ચાતુરીઓ શીખે સાંભળે. થાય સુખી બહુ તનમાં....૮  
પણ નાવે આસુરીને અરથમાં, તે ઉપર દ્રષ્ટાંત દીજીયે;
           જેમ મીસરી ધૃત ખાય કીટ તો, તે તરત પ્રાણ તજી દિયે.....૯
સાકર શત્રુ છે ખરને, અને ગોળ ગીંગો તે નવ જમે
           જવાસો સુકે જળથી, તેમ આસુરીને આ નવ ગમે.....૧૦
એમ હરિજન જાણીને, નવ આપો આસુરીના હાથમાં;
           સત્સંગની મર્યાદામાં રહી, શીખો સુણો સંત સાથમાં......... ૧૧
સવંત ઓગણીશ સત્તરો, માસ અષાઢ તે જાણો સહી;
           કૃષ્ણપક્ષે ગુરુ વાસરે, આ ચાતુરીઓ પુરી થઇ....૧૨
સાભર તીરે સોયામણું, શ્રીનગર નૌતમ ધામ છે;
           નર વીરની સમીપે કરી અવિનાશાનંદ નામ છે....૧૩

               
જેતલપુરમાં કરેલી લીલાનું વર્ણન.
 
રચયિતા :
અવિનાશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026