મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતરે ચિત્તમાં ચિંતવું રે, શામળિયાનો સનેહ રે

ચૈતરે ચિત્તમાં ચિંતવું રે, શામળિયાનો સનેહ રે;
          જીવડલા, મોહનની મેલ આશને રે...ટેક.
નવમી ઉત્સવ જોને આવિયો રે, આવિયા નહીં કરી નેહ રે...જીવડલા૦
         દૈવે શિયા લેખ લખિયા રે, ન ગયો શોકનો રોગ રે...જીવડલા૦
અજે અવળા અંક આળખ્યા રે, એથી વાલાનો વિયોગ રે...જીવડલા૦
         પંચ મળી પંચાત કરે રે, વિરહ વહ્નિ ન ઓલાય રે...જીવડલા૦
આ કામ તે તેના વિના રે, કોઈથી ન મટી જાય રે...જીવડલા૦
         ઘણ નામનો જે જીવડો રે, કાષ્ટે લગાડે ડંસ રે...જીવડલા૦
એમ અમારે અંતરે રે, વિરહનો વળગ્યો છે વંસ રે...જીવડલા૦
         ભૂરકી નાખીને ભોળવી રે, સાંજ સવાર ન ભાન રે...જીવડલા૦
અંધારું મનમાં ઉદાસથી રે, રહે દિલમાં રાત દન રે...જીવડલા૦
         તેથી એમ જણાય છે રે, જુગ જામનિયુંનો જાય રે...જીવડલા૦
શોક ગ્રહ છાનો નડે રે, તેને છત્ર મળી જાય રે...જીવડલા૦
         છત્ર મળ્યો નથી ત્યાં સુધી રે, વિરહ વ્યાધિ વધિ ખાય રે...જીવડલા૦
વિરહ બાળી દેશે દેહને રે, શ્યામ તો શેના દેખાય રે...જીવડલા૦
         તેથી જ વહેલું ત્રેવડું રે, જોગણનો લઈ વેશ રે...જીવડલા૦
આવરદા એ ધન લઈ રે, શ્યામ શોધું દેશો દેશ રે...જીવડલા૦
         અગિયારમો માસ ઉતર્યો રે, ઊગ્યા ન આશા અંકુર રે...જીવડલા૦
શ્યામ સંગાથનાં સુખ તે રે, ગયાં આંકનાં તુર રે...જીવડલા૦
         ઘણી ઘણી કરી ઘાતડી રે, જાણી જાણી નહીં જાત રે...જીવડલા૦
પ્રેમાનંદ કહે નાથની રે, જાતની શી રીત ભાત રે...જીવડલા૦

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026