મુખ્ય સામગ્રી પર જાઓ

ગોરસ લઇને ગોપિકા, ચાલી વેચવા કાજે

ગોરસ લઇને ગોપિકા, ચાલી વેચવા કાજે ;ઓડો બાંધ્યો આવીને, વીચમાં વ્રજરાજે. ૧
મટુકી લીધી માથડે, ચાલી મહીવાળી ;ઓચીંતાના આવીયા, વનમાં વનમાળી. ૨
મારગ રોક્યો માવજી, આડા ઉભા છો આવી;આવ ઓરી મહીઆરડી, એમ કહીને બોલાવી. ૩
મહીડુંતારું અમે લૂટશું, ઉભી રહેને મહીઆરી ;સાચું જાણ તું સુંદરી, લેશું રીત અમારી. ૪
જાવા દીઓને જાદવા, વાટે રોકોમાં વેહેતાં ;અમે મલાજો રાખીએ, તમ સામું કહેતાં. ૫
સમજ્યા વિના નવ ઝાલીયે, પરનારીનો છેડો ;બ્રહ્માનંદ કહે રહોને વેગળા, મેલીને કેડો. ૬ 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026