મુખ્ય સામગ્રી પર જાઓ

કેડો અમે કેમ મેલીએ

કેડો અમે કેમ મેલીએ, રીત લાગે તે લેશું ;
              દાણ લીધા વિના સુંદરી, જાવા નવ દેશું.  ૧
જોબન-ધનના જોરથી, થઇ છો મસ્તાની ;
             દહાડી ચોરી મારું દાણલું, જાતી'તી છાની.ર
આજ મળી છું એકલી, મહીડું નહીં મેલું ;
             દાણ અમારું ચોરતાં, શું જાણ્યું'તું પેહેલું. ૩
કોરે રહેજો કાનજી, જોયા જેવું થાશે ;
             રહીએ રાજાના રાજમાં, લૂંટી નહીં લેવાશે.૪
મુખડું સંભાળીને બોલીયે, મ કરો જોરાજોરી ;
             દીઠા વિના નવ નાખીએ, કોઇ ઉપર ચોરી.૫
દુરિજન લોકડાં દેખશે, થાશે નામચું ઠાલું ;
             બ્રહ્માનંદ કહે વાલમજી, મહી ટાંક ન આલું.૬ 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026