મુખ્ય સામગ્રી પર જાઓ

મુજને અચંબો થાય છે તું દીઠામાં છોટી

મુજને અચંબો થાય છે, તું દીઠામાં છોટી; 
          સાચું બોલ કેણે શીખવી, આવી વાતું મોટી. 1
મહીની મટુકી ઉતારીને, આંહી આવને ઓરી; 
          નાની જ વયમાં નાર તું, શીખી દાણની ચોરી. ર
આવાંરૂડાં આજથી, તુંમાં લક્ષણ ભારી; 
          માન ઉતારીશ માનુની, ધીરી રહે ધુતારી. 3
 નારી રૂપાળી જોઇને, ઘેલા થાઓ માં હું ધોળી;
          મોંઘી છે જો માવજી, મહીડાંની ગોળી. 4
ધૂતી કહીને મુજને, તમે મેહેણલું દીધું.
          કહોને તમારું કાનજી, અમે ધૂતી શું લીધું. 5
લાજ ખોશો તમે લાલજી, માણસમાં ભારી; 
          બ્રહ્માનંદ કહે અમે જાણતાં, તમને બ્રહ્મચારી. 6
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026