મુખ્ય સામગ્રી પર જાઓ

આડુ કાંઇ નથી બોલતો, દેને દાણ તું મારું..

આડુ કાંઇ નથી બોલતો, દેને દાણ તું મારું ;
         નહી તો વીંખાશે વાટમાં, આ મહી તારું. || ૧ ||
ગર્વભરી તું ગુર્જરી, જોબનની માતી ;
         દહાડી દહાડી સૌ દેખંતા, દાણ ચોરીને જાતી. || ૨ ||
કહેજે તું જઇને કંસને, દાણ લાગે તે દઇને ;
         મોવડ આવે માનની, વહેલી દળ લૈને. || ૩ ||
કરીએ નહીં ઝાઝી કાનજી, પરનારીની હાંસી ;
         બળ તમારું જાણીએ, આવ્યા છો નાસી. || ૪ ||
દા'ડી અમે અહીં ચાલીએ, દાણ કે દી ન દીધું ;
         ખોશો માં ઠાલા આબરૂ, કહીએ છૈયે સીધું. || ૫ ||
લાકડવાયા લાલજી, એલફેલ મ બોલો ;
         બ્રહ્માનંદ કહે જોરાવરી, શીદ બાઝંતા ડોલો. || ૬ ||
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026