મુખ્ય સામગ્રી પર જાઓ

સાંજે આવ્યા ઘરે શ્યામળો મુખ મોરલી વાતા

સાંજે આવ્યા ઘરે શ્યામળો, મુખ મોરલી વાતા;
         ખોળે બેસાડી ખાંતથી, એમ પૂછે માતા. 1
કાના ! તુને શી પડી, એવી ટેવ અટારી;
         વનમાં મારગ ચાલતાં, લૂંટે પરનારી. ર
આજથીરૂડું આદર્યું, આ કામ તેં આવું;
         દહાડી લાવછ દીકરા, લોકુંની રાવું. 3
ગાયુ ચારીને જીવીયે, આપણ નહીં રાજા;
         લાડકડા ! નવ લાવીયે, ઘેરે ઓળંભા1 ઝાઝા. 4
આજથી તારી આબરૂ, થાશે લોકમાં થોડી;
         કહેને તુને કુણ આલશે, પરણવાને છોડી. 5
બ્રહ્માનંદના વાલમા, રૂડા કામ છે તારા;
         મહીયારીનાં માટલાં, ફોડે સાંજ-સવારા. 6
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026